-->

પ્લાસીનું યુદ્ધ 1757| બક્સરનું યુદ્ધ 1764.

 પ્લાસીનું યુદ્ધ 1757.

પ્લાસીનું યુદ્ધ (ઈ.સ. 1757) : કલકત્તા (કોલકાતા)માં અંગ્રેજોની હારના સમાચાર મદ્રાસ (ચેન્નઈ) પહોંચ્યા. અંગ્રેજોએ બહુ ઝડપથી ક્લાઇવના નેતૃત્વ નીચે એક સેનાને કલકત્તા (કોલકાતા) મોકલી. નવાબના વિશ્વાસુ માણેકચંદે લાંચ લઈને કલકત્તા (કોલકાતા) અંગ્રેજોને સોંપી દીધું. અંગ્રેજોએ હવે કૂટનીતિનો આશરો લીધો જેમાં લાંચ મુખ્ય હતી. તેણે નવાબના મુખ્ય સેનાપતિ મીરજાફરને નવાબ બનાવવાનું વચન આપી તેનો ટેકો મેળવ્યો. સાથે-સાથે બંગાળના મોટા શાહુકારો જગત શેઠ, રાય દુર્લભ અને અમીચંદને પણ પોતાની તરફેણમાં કરી લીધા.


માર્ચ, 1757માં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું. 23 જૂન, 1757ના રોજ ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સેના અને નવાબની સેના વચ્ચે મુર્શિદાબાદ પાસે આવેલ ‘પ્લાસી’ નામના સ્થળે યુદ્ધ થયું. નવાબના સેનાપતિઓએ અંગ્રેજોનો મુકાબલો કર્યો પરંતુ મીરજાફરના વિશ્વાસઘાતને કારણે નવાબની સેના હારી ગઈ. મીરજાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજ-ઉદ્-દૌલાને પકડી તેની હત્યા કરવામાં આવી. અંગ્રેજોને નવાબે 24 પરગણાં વિસ્તારની જાગીર આપી અને જકાત વગર વેપાર કરવાની છૂટ આપી. પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું અને અહીંથી તેઓ વેપા૨ીમાંથી સંસ્થાનના માલિક બન્યા. એટલું જ નહિ ભારતના વિજયનો માર્ગ પણ અહીંથી જ શરૂ થયો. જે ઈ.સ. 1818 સુધીમાં સમગ્ર ભારત અંગ્રેજી શાસન હેઠળ પરિવર્તિત થઈ ગયું.

બક્સરનું યુદ્ધ 1764

બક્સરનું યુદ્ધ (ઈ.સ. 1764) : બંગાળના નવાબ મીરકાસીમે અવધના નવાબ અને મુદ્દલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી. આ ત્રણેયની સેના 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી, જ્યારે કંપનીની સેના 7072ની હતી. મૅજર મનરીના વડપણ હેઠળ ભારતના આ ત્રણ શાસકો સાથે બક્સરનું યુદ્ધ (22 ઑક્ટોબર, 1764) થયું. અંગ્રેજો જીત્યા અને પ્લાસીનો નિર્ણય દૃઢ બન્યો. એકસાથે ત્રણ સત્તાઓને હરાવનારા અંગ્રેજોનો પડકાર કરવાવાળું ભારતમાં હવે કોઈ જ ન હતું


બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા (ઓડિશા)ના દીવાની અધિકારો પ્રાપ્ત થયા એટલે કે તેઓ વિધિસરના માલિક બન્યા, જ્યારે વહીવટી જવાબદારી નવાબના શિરે રાખી. આથી વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી.