-->

પંચવર્ષીય યોજનાઓ અને ભારતનો આર્થિક વિકાસ

 ઈ.સ.1950 માં ભારત સરકારે બંધારણના ઘેયો અને આદર્શોને પૂર્ણ કરે તેવા આયોજન પંચ નો પ્રારંભ કર્યો. આજે આ આયોજન પંચ નીતિ આયોગ તરીકે ઓળખાય છે. આ આયોજન પંચમાં નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ વહીવટી નિષ્ણાતો અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો નો સમાવેશ થાય છે. તેના અધ્યક્ષ હોદ્દાની રૂએ વડાપ્રધાન હોય છે.

ભારતનું આર્થિક આયોજન લાંબા ગાળાને ટૂંકા ગાળા એમ બંને ઉદ્દેશ્ય ધરાવે છે. ભારતના આર્થિક આયોજનના મુખ્ય ઉદ્દેશોમાં ઝડપી આર્થિક વૃદ્ધિ અને વિકાસ ,આર્થિક અસમાનતામાં ઘટાડો, પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી, સ્વાવલંબન, ભાવ સ્થિરતા, શૈક્ષણિક વિકાસ વગેરે ઉદ્દેશોને ધ્યાને લઈ પંચવર્ષીય યોજનાઓ શરૂ કરવામાં આવી છે. 

પ્રથમ પંચવર્ષીય યોજના ઇ.સ.1951-56 દરમિયાન હાથ ધરવામાં આવી. પંચવર્ષીય યોજનાઓના આ સમયગાળા દરમિયાન આયોજનબદ્ધ આર્થિક વિકાસના પ્રયત્નો થયા. ઔદ્યોગિક વિકાસના હેતુથી ભારે અને પાયાના ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવી. ઔદ્યોગિક ઉત્પાદનમાં આપણે મહદ અંશે સ્વાવલંબી બની શક્યા છીએ. કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જી અનાજને આયાત કરતો દેશ આજે અનાજની નિકાસ કરતો રાષ્ટ્ર બનેલ છે.

દૂધ ઉત્પાદનમાં શ્વેતક્રાંતિ તેલીબિયાનું ઉત્પાદન વધારવા પીળી ક્રાંતિ વગેરે દ્વારા ઉત્પાદન વધારવાની દિશામાં વિકાસકીય પગલાંઓ ભરવામાં આવેલ છે. સ્વતંત્રતા બાદ ગરીબી ઘટાડવા અને આર્થિક અસમાનતા ઘટાડવા ગરીબી નિવારણ કાર્યક્રમ અમલમાં મુકેલ છે. પંચવર્ષીય યોજનાઓના પરિણામ સ્વરૂપે આજે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થયેલ છે. પરંતુ ગરીબીની સંખ્યામાં ઘટાડો થઈ શક્યો નથી.આ માટે વસ્તી વધારો એક કારણ જવાબદાર છે.

આમ છતાં ગરીબી ઘટાડવા માટે આર્થિક અસમાનતા ઘટાડવા, રોજગારી તકો વધારવા, શિક્ષણનો પ્રચાર પ્રસાર, આવશ્યક ચીજ વસ્તુઓ ગરીબોને મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે .આજે લોકોના આરોગ્યમાં સુધારો થયો છે. ભારતમાંથી શીતળાનો રોગ નાબૂદ કરી શક્યા છીએ. સરેરાશ આયુષ્યમાં સુધારો થયેલ છે બાળ મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. શિક્ષણનું પ્રમાણ વધ્યું છે.

સોર્સ ધોરણ 8 સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક.