-->

અસહકાર આંદોલન 1920

 અસહકાર આંદોલન

ઈ.સ. 1920માં ગાંધીજીએ અસહકાર આંદોલન શરૂ કર્યું. આ આંદોલનના મુખ્ય બે પાસાં છે : (1) ખંડનાત્મક પાસું અને (2) રચનાત્મક પાસું. ખંડનાત્મક પાસામાં શાળા, કૉલેજ, ધારાસભા, અદાલતોનો, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો બહિષ્કાર, વિદેશી માલનો બહિષ્કારનો સમાવેશ થતો. હજારો વિદ્યાર્થીઓએ શાળા-કૉલેજો છોડી દીધી. મોતીલાલ નેહરુ,ચિત્તરંજનદાસ, વિઠ્ઠલભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્રપ્રસાદ જેવા જાણીતા વકીલોએ પોતાની ધીકતી વકીલાત છોડી દીધી અને પોતાનું બાકીનું જીવન દેશસેવામાં સમર્પિત કરી દીધું. અંગ્રેજો દ્વારા આપવામાં આવેલ ઉપાધિઓને પણ ફગાવી દેવામાં આવી. ઠેર-ઠેર વિદેશી કાપડની હોળી કરવામાં આવી. આ આંદોલન દરમિયાન પ્રિન્સ ઑફ વેલ્સનું ભારત આગમન થયું. તેનો પણ દેશમાં હડતાલ પાડી વિરોધ કરવામાં આવ્યો. આંદોલનનાં રચનાત્મક પાસાઓમાં ઘરે- ઘરે રેંટિયો કાંતવા, ખાદી-ઉત્પાદન, સ્વદેશી પ્રસાર, દારૂબંધી, અસ્પૃશ્યતા-નિવારણ, હિંદુ-મુસ્લિમ ઐક્ય વગેરે જેવા રચનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા. રાષ્ટ્રીય શિક્ષણ આપવા શાળા-કૉલેજો શરૂ કરવામાં આવી. જેમાં ગૂજરાત વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, બનારસ વિદ્યાપીઠ, કાશી વિદ્યાપીઠ, જામિયા મિલિયા વિદ્યાપીઠ વગેરેની સ્થાપના કરવામાં આવી. આ આંદોલન સાથે કેટલાક પ્રદેશોમાં સ્થાનિક પ્રશ્નો જોડી આંદોલન કરવામાં આવેલ. જેમાં આંધ્રપ્રદેશના ગંતુર જિલ્લામાં ‘વન સત્યાગ્રહ' અને અસમના ચાના બગીચાના મજૂરોનાં આંદોલનનો સમાવેશ થાય છે.

ચોરીચૌરા 2022

મહાત્મા ગાંધી અહિંસક સત્યાગ્રહમાં માનતા હતા. ઈ.સ. 1922માં જ્યારે ઉત્તરપ્રદેશના ગોરખપુર પાસેના ચૌરીચોરા ગામે ખેડૂતોના શાંત સરઘસ પર પોલીસે ગોળીબાર કરતા રોષે ભરાયેલા ટોળાએ પોલીસસ્ટેશન પર હુમલો કર્યો. પોલીસ- સ્ટેશનને આગ ચાંપી. જેમાં 22 જેટલા પોલીસ કર્મચારી મૃત્યુ પામ્યા. આ સમાચાર ગાંધીજીને મળતા ગાંધીજીએ અસહકાર આંદોલન મોહૂક રાખવાની જાહેરાત કરી. સરકારે ગાંધીજીની ધરપકડ કરી. ગાંધીજીએ લોકોને રચનાત્મક કાર્યોમાં લાગી જવા અનુરોધ કર્યો. આ સમયે કોંગ્રેસમાં મોતીલાલ નેહરુ અને ચિત્તરંજનદાસનું માનવું હતું કે, પક્ષે ધારાસભાની ચૂંટણીમાં ભાગ લઈ બંધારણીય લડત આપી લોકોને વૈકલ્પિક કાર્યક્રમ પૂરો પાડવો જોઈએ. આ વિચારથી સ્વરાજ પક્ષની રચના કરવામાં આવી.